वचनं मधुरं चरितं मधुरं वसनं मधुरं वलितं मधुरं ।
चलितं मधुरं भ्रमितं मधुरं मधुराधिपते रखिलं मधुरं॥
કૃષ્ણને તો કર્તવ્ય ખપે છે, એ કર્તવ્ય પાલન દ્વારા આપણે એમને અર્પણ થતા રહીએ.
આ વર્ષે આપણે શ્રીકૃષ્ણનો ૫૨૪૭ મો જન્મોત્સવ ઉજવીએ છીએ.
શ્રીકૃષ્ણને જુદાજુદા નામે સંબોધીને આપણે કૃષ્ણને લાડ કરીયે છીયે, જેમ કે... કાનુડો, લાલો, કાનજી, ગોવિંદ, ગોપાલ, રણછોડ, માધવ, દેવકીનંદન, કેશવ, મધુસુદન, ગોવર્ધન, યદુનંદન, મુરલી મનોહર, શ્યામ, કાળીયા ઠાકર વગેરે...
એક સાથે ઘણું બધું એટલે કૃષ્ણ, અને એક સાથે વિરોધી એટલે પણ કૃષ્ણ જ! કૃષ્ણ એટલે? ‘કર્ષતી આકર્ષતિ ઇતિ કૃષ્ણઃ ।’ જે સૌને પોતાની તરફ આકર્ષે છે, ખેંચે છે તે કૃષ્ણ. કૃષ્ણ એટલે ‘આકર્ષક કેન્દ્ર’ કૃષ્ણ એટલે એવું ચુંબકીય કેન્દ્ર જેના તરફ બધી જ વ્યક્તિઓ ખેંચાય. કૃષ્ણ હજીય આકર્ષે છે. શ્રીકૃષ્ણે પોતાનું જીવન એટલું તો સુંદર અને સુગંધિત કર્યું હતું કે જે કોઇ તેની તરફ જોતું તેને તેઓ પોતાના લાગતા. વૃદ્ધોને પોતાના પુત્ર જેવા લાગતા, તો યુવાનોને પોતાના મિત્ર જેવા લાગતા. રાજાઓને તે રાજા જેવા લાગતા, તો ભક્તને સ્વયં ભગવાન લાગતા. સૌને તેના ઉપર પ્રેમ કરવાનો ઉમળકો થઇ આવતો.
એક એવું નામ કે જે ક્યારેય જુનવાણી કે અપ્રિય નથી લાગતું. કૃષ્ણને માખણચોરના લેબલ ઉપરાંત ચિત્તચોરનું પણ લેબલ લાગે.
કૃષ્ણે અપાર વેદના સહી છે. અપમાનના ઘુંટડા પણ પીધા છે. સૃષ્ટિની રચના જેટલી રહસ્યથી ભરપૂર છે એટલું જ માનવ જીવન રહસ્યથી ભરપૂર છે. રહસ્યો કદી પૂર્ણ રીતે ક્યાં ઉકેલી શકાય છે?
કૃષ્ણ પણ રહસ્યથી ભરપૂર લાગે તોય આપણે તો એમના વ્યક્તિત્વને માણવાના છે. જેમ જેમ કૃષ્ણનું વ્યક્તિત્વ સમજાતું જાય પછી પોતાની જાતને એકલા પડી ગયાનો ડર ખરી જાય એ નક્કી. ઉદાસ-હતાશ-નિરાશ અને રોતલ માણસોએ કૃષ્ણ વિશે ખાસ જાણવું જોઈએ.
કૃષ્ણના વચનનો મર્મ સમજવામાં આપણે કાંઈક કાચું કાપીએ છીએ. કૃષ્ણે પોતાના જીવનમાં કર્તવ્યને જ મહત્ત્વ આપ્યું છે. અન્યાય સામે જાતે જંગ માંડવાનો હોય. આસપાસના અનિષ્ટ તત્ત્વો સામે આપણે પણ લડવું પડે.
પાંચ હજાર વર્ષથી જન્માષ્ટમી ઉજવાતી રહી છે. બીજા હજારો વર્ષ ઉજવાતી રહેશે. ઉજવણી વખતે એટલું યાદ રાખીએ કે કૃષ્ણને તો કર્તવ્ય ખપે છે, એ કર્તવ્ય પાલન દ્વારા આપણે એમને અર્પણ થતા રહીએ.
કૃષ્ણ એટલે,
આ સંપૂર્ણ સૃષ્ટિના કણકણમાં,
વ્યાપ્ત થયેલો પ્રેમ તો ખરોજ,
સાથે જ એ આ પ્રેમને પમ્યા,
અને…
મેળવ્યા પછીની અનુભૂતિ પણ ખરો…
કૃષ્ણ એટલે કે નિષ્કર્ષ,
કૃષ્ણ એટલે માત્ર હકીકત પ્રત્યેનો,
અરીસો જ નહીં,
પણ…
એ અરીસામાં જોઈને,
પોતાની જાતનો સહર્ષ સ્વીકાર પણ ખરો…
કૃષ્ણ એટલે,
વાસ્તવિકતાનો સ્વીકાર તો ખરો જ,
પણ,
સાથે જ એ સ્વીકાર બાદ,
લાંબા સમય માટે,
મળેલા આનંદનો સાચો અહેસાસ પણ…
કૃષ્ણ એટલે…
તું પણ નહીં,
અને..
હું પણ નહીં,
પણ તું અને હું નું મધ્ય બિંદુ,
જેમ સિક્કાની બંને બાજુઓ મળીને જ,
એક સંપૂર્ણ સિક્કો બને,
એ જ પ્રકારે તું અને હું મળીને,
બનતું વ્યક્તિત્વ અને એનો આત્મા પણ…
આવો સાચા અર્થમાં કર્તવ્ય પાલનદ્વારા કૃષ્ણને જીવનસ્થ, હૃદયસ્થ બનાવીએ... જાત ને તે તરફ વાળીએ સૌને કૃષ્ણ જન્મની હાર્દિક બધાઈ.... જય દ્વારકેશ.... महादेव हर...🍁
सुपिच्छगुच्छमस्तकं सुनादवेणुहस्तकं
अनंगरंगसागरं नमामि कृष्णनागरम् ॥
Comments