મન અશાંત હોય ત્યારે શું કરવું ?
મન જ્યારે નબળું પડે ત્યારે કોઇપણ પરીસ્થિતીની અસર આપણાં મન પર પડે છે . તમે પોતાના લોકો માટે ચિંતા અનુભવતા હોવ ત્યારે તમને સતત વિચારો આવ્યા કરતાં હોય છે . મન સતત ડામાડોળ રહ્યા કરતું હોય છે . સતત એવો આભાસ થયા કરે કે કંઇક અજુગતું બની જશે તો . આ બધા જ વિચાર નકારાત્મકતા સર્જવાની સાથે સાથે માણસને માનસિક અને શારીરિક બંને અસર કરે છે . મનની સ્થિતિ નાજુક ક્યારે બનતી હોય છે ? અને તેમાં યોગ શું ઉપયોગી થઇ શકે તે વિશે જાણીએ . આપણું મન સતત ભૂતકાળના વિચારો કરે છે . માનો કે આપણને કોઇ ઇન્દ્રિયોના સુખ નથી મળ્યું હોતું ત્યારે મન તેનું સતત ચિંતન કર્યા કરે છે .આપણું મન ભવિષ્યના પણ વિચારો કર્યા કરે છે અને ભવિષ્યના વિચાર કરી ચિંતાગ્રસ્ત અને ભયભીત રહે છે . આપણું મન જો સાત્વિક હોય તો તેમાં સતત ઉચ્ચ વિચાર અને લાગણીઓ જેમ કે દયા , પ્રેમ , ક્ષમા , કરુણા , દાન , પરોપકાર , સેવા દેશભક્તિ , સમાજસેવા વગેરેમાં વ્યસ્ત રહેશે , પણ સાત્વિક મન ઘણીવાર બહુ ચિંતાળુ હોય છે , જે વ્યક્તિની માનસિક શાંતિને હણી શકે છે . જો આપણું મન રાજસિક કે તામસિક હશે તો તેમાં કામ , ક્રોધ , લોભ , મોહ , કાવાદાવા , વેર ઇર્ષા , હિંસા , ચોરી વગેરે ના વિચારોથી વ્યસ્ત રહેશે .
આપણુ મન કલ્પના દ્વારા ભૂતકાળ અને ભવિષ્યકાળને ભેગા કરી કલ્પના દ્વારા પોતાના મનમાં સ્વર્ગ અને નર્ક ઊભું કરે છે . આ તમામ વસ્તુઓને કારણે મન વિચલિત થાય છે , મનના આવા વિચારોને કારણે જ તેની શાંતિ હણાય છે , તેથી તેને એકાગ્ર બનાવવા માટે યોગનો સહારો લેવો અત્યંત જરૂરી છે . માણસ એક જ વસ્તુ વિશે વિચાર્યા કરે કે ચિંતા કર્યા કરે તો તે વસ્તુનું નિરાકરણ નથી આવતું , તેને બદલે વ્યક્તિને શારીરિક અને માનસિક સમસ્યાનો સામનો કરવો પડે છે . આ બધામાંથી છૂટકારો અપાવીને મનને શાંત કરવાનું કામ , મનની સ્થિર રાખવાનું કામ યોગ કરે છે . યોગથી તમે એકાગ્રતા કેળવી શકો છો . તમે શાંત રહી શકો છો , દુનિયાની ચિંતા તમને અસર નથી કરતી . માટે મન વ્યગ્ર રહેતું હોય ત્યારે અચુક યોગનો સહારો લેવો જોઇએ .
Comments