અનેક સમસ્યાઓનું સમાધાન - અધ્યાત્મ
અધ્યાત્મ એ કોઈ જાદુગરી નથી , પરંતુ વ્યક્તિ તથા સમાજને પ્રભાવિત તથા સુવ્યવસ્થિત કરનારી એક પ્રક્રિયા છે . તેમાં મુખ્યત્વે ચિંતન , ચરિત્ર અને વ્યવહારને ઉત્કૃષ્ટ બનાવવાં પડે છે . તેથી તેને વ્યક્તિવિજ્ઞાન , સમાજવિજ્ઞાન તથા નીતિશાસ્ત્ર પણ કહી શકાય . આ હકીકતને લોકોના મનમાં ઉતારવાથી એમાં સફળતા મળે છે . અધ્યાત્મ માત્ર થોડાક જિજ્ઞાસુઓના દાર્શનિક પ્રતિપાદનનો વિષય નથી . કેટલાક ભાવુક લોકો તેને કથા , પુરાણ કે સત્સંગ પ્રવચનની જેમ સાંભળે છે અને એક કાનેથી સાંભળીને બીજા કાનેથી કાઢી નાખે છે .
ધાર્મિક કર્મકાંડોના માધ્યમથી આચારવિચારમાં ભાવનાનો સમન્વય કરીને તેમને હૃદયંગમ કરવી પડે છે . કે પૂજાપાઠની પ્રક્રિયામાં મહાનતાના લક્ષ્યને નજર સામે રાખીને પાત્રતાનો વિકાસ કરવા માટે ધૂપ , દીપ , અક્ષત , પુષ્પ વગેરેનો ઉપયોગ કરવામાં
આવે છે . સર્વતોમુખી ઉત્કૃષ્ટતાની વિભૂતિઓ તથા અતીન્દ્રિય ક્ષમતા કહેવાતી રિદ્ધિસિદ્ધિઓ આપોઆપ જ મળતી જાય છે અને અનેક લોકોનું ભલું કરે છે . ઈશ્વરને પ્રશંસા તથા ભેટસોગાદોથી ફોસલાવી શકાતો નથી કે પોતાની મનોકામનાઓની પૂર્તિ પણ થઈ શકતી નથી . આપણા બદલે ભગવાન કામ પૂરું કરી દેશે અથવા તો તેમનું નામ જપવાથી દુષ્કર્મોના ફળમાંથી છુટકારો મળી જશે એવી માન્યતા સાવ ખોટી છે . પ્રાયશ્ચિત્ત દ્વારા જ કર્મોના પરિણામમાંથી છૂટી શકાય છે . સમાજને જે નુકસાન પહોંચાડ્યું છે તેની પૂર્તિ કરવી પડે છે . જો એક બાજુ દુષ્કર્મ કરતા રહીએ અને બીજી બાજુ પૂજાપાઠ પણ કરતા રહીએ , તો સ્થિતિ હાસ્યાસ્પદ બની જાય છે . આત્મિક પ્રગતિ માટે બે મુખ્ય સાધન છે - એક તપ , જેને સંયમ કહે છે . તે આ પ્રત્યક્ષ જીવનમાં કરવું પડે છે . બીજું , સાધનાયોગ . તેનું તાત્પર્ય છે
સદ્ગુણોના સમુચ્ચય એવા પરમાત્મા સાથે પોતાને સંપૂર્ણ રીતે જોડી દેવો . મનને દોષદુર્ગુણોમાંથી મુક્ત કરીને મહાનતાના ઉદાર આદર્શો સાથે પોતાના વિચારો તથા ભાવનાઓને જોડી દેવાં . તપશ્ચર્યાથી બાહ્ય જીવનની શુદ્ધિ થાય છે અને યોગ દ્વારા અંતરની ઉત્કૃષ્ટતાને ચરમ સીમાએ પહોંચાડવાનો પ્રયાસ રાતદિવસ કરવો પડે છે . ટૂંકમાં , ચિંતનમાં ઉત્કૃષ્ટતા , ચરિત્રમાં આદર્શવાદ અને વ્યવહારમાં શાલીનતાનો સમાવેશ કરવાની નિરંતર સાધના એ જ તપ તથા યોગનો આત્મા છે . આ માટે કેટલાંક કર્મકાંડો અપનાવવાથી કર્મની સાથે જ્ઞાન જોડાઈ જાય છે . આ જ તત્ત્વજ્ઞાનનું દાર્શનિક પાસું છે . આ યુગસંધિનો સમય છે . યુગપરિવર્તનનો સુનિશ્ચિત સમય અત્યારનો જ છે . કહેવાય છે કે એકવીસમી સદી વિનાશ , પતન અને સંકટો ભરેલી હશે , પરંતુ આધ્યાત્મિક ક્ષેત્રની ઉચ્ચકક્ષાની શક્તિઓ આ મુશ્કેલીઓ સામે ઝઝૂમવા અને સમૃદ્ધિ તથા
પ્રગતિનું વાતાવરણ બનાવવા માટે વેળાસર કામે લાગી ગઈ છે . આગામી દિવસોમાં વિશ્વના ચિંતન તથા શક્તિઓને એક જગ્યાએ કેન્દ્રિત કરવામાં આવશે . ઝડપી વાહનોના કારણે સંસાર એક ગામ તથા એક ઘર જેવો બની ગયો છે . તેની સમસ્યાઓને એક સાથે ઉકેલવી પડશે . શીતળાના ફોડલાનો ઉપચાર મલમ લગાવવાથી નહિ , પરંતુ લોહી શુદ્ધિ કરવાથી થાય છે . સમગ્ર વિશ્વમાં વ્યાપેલી અસંખ્ય સમસ્યાઓનો હલ એક જ છે કે સમગ્ર વિશ્વને એક બનાવવામાં આવે અને તેની સાથે માનવીય સમતાના સિદ્ધાંતોને જોડી દેવામાં આવે .
Comments