અમદાવાદ સાથે જોડાયેલી રમૂજ
************
🎂🥳🎂🎉🥳🎂🎉🎂
આજે, 26મી ફેબ્રુઆરી, (2022)ના રોજ ગુજરાતના પાટનગર અમદાવાદનો જન્મદિવસ છે ત્યારે આ શહેર સાથે જોડાયેલી રમૂજકથાઓ જાણીએ.
***
કટિંગ (અડધી) કે પા (ક્વાર્ટર) ચ્હા માટે જાણીતા અમદાવાદ શહેરની શાકભાજીની વાત અમે ગઈ સાલે જ વાંચી. મુંબઈસ્થિત સોલિસિટર રામદાસભાઈ ગાંધીએ ‘સફર સોલિસિટરની’ પુસ્તક લખ્યું છે. તેઓ થોડાં વર્ષ અમદાવાદમાં પણ રહ્યા હતા. તેમણે નોંધ્યું છે કે ઓછામાં ઓછો નકામો ભાગ નીકળે અમદાવાદના લોકો ‘ટીંડોળાં’નું શાક સૌથી વધુ બનાવતા. એક તો ‘ટીંડોળાં’ એવું શાક કે તેમાં નકામો ભાગ ઓછો હોય અને વળી ચડી પણ જલદી જાય.
****
તેમણે એમ પણ નોંધ્યું છે કે જો કોઈ નારંગી કે મોસંબી ખરીદતું હોય તો તેમને તરત પૂછવામાં આવતું કે ઘરે કોઈ માંદું છે? કોઈ બીમાર હોય ત્યારે જ લોકો ફળ ખરીદતા.
કેવો હતો એક જમાનામાં અમદાવાદી?
******
સાયકલ લઈને પોતાના બે-ત્રણ મિત્રો સાથે ચ્હાની હોટલમાં જાય. હોટલની બહાર સાયકલ પાર્ક કરીને થડા પર બેઠેલાને સૂચના આપેઃ ‘બોસ, આ સાયકલનું ધ્યાન રાખજો...’
એ પછી ત્રણ-ચાર મિત્રો હોટલમાં સ્થાન લઈને તરત જ સૂચના આપે... એ ભાઈ પંખો ચાલું કરો. પંખો ચાલું થાય તેની દસમી મિનિટે બે કટિંગ (અરધી) ચ્હાનો ઓર્ડર ‘માણેક ચોકની માર્કેટમાં એક કિલો સોનાનો ઓર્ડર આપતા હોય તે રીતે’ આપવામાં આવે. ત્યાં એક જણ બૂમ પાડે... ‘એ ટેણી... આજનું છાપું તો લાવ...’ બે-ચાર મિત્રો વહેંચીને છાપું વાંચે... ચ્હા પીતાં પીતાં સાંપ્રત પ્રવાહોની ચર્ચા થાય. (ટીવીમાં આમે રોજ રાત્રે ચર્ચાના કાર્યક્રમો આવે છે તેનાં મૂળ ખરેખર અહીં છે...) અડધો કલાક સુધી ‘ચ્હા’ની ચાહ સાથે આ મહેફિલ ચાલે...
એ પછી મિત્રો ઊભા થઈને હોટલની બહાર નીકળતાં નીકળતાં હોટલના માલિકને કહે... ‘બોસ... લખી લેજો...’
તો આ હતું અમદાવાદનું કલ્ચર.
********
એવું કહેવાય છે કે જે મૂળ અમદાવાદી હોય તે...
સૌથી ઉત્તમ માગે,
સૌથી સસ્તુ માગે,
મનગમતું માગે,
નમતું માગે,
ઉધાર માગે....
***
અમદાવાદી એટલો બધો કંજૂસ કે તાળી પાડવામાં પણ કંજૂસાઈ કરે. એવું કેમ? અરે ભાઈ, તાળી પાડીએ ને જમણો હાથ ડાબા હાથ પાસેથી કશું લઈ લે તો! ...
***
...અને પેલી વાત તો તમે જાણો જ છો કે ભળભાંખરે (સવારના પહોરમાં) રેલ્વે સ્ટેશન પર ગાડી ઊભી રહી. મુસાફરે બારી ખોલીને પૂછ્યું કે કયું સ્ટેશન આવ્યું? સ્ટેશન પર ઊભા રહેલા રાહદારીએ કહ્યું કે જો આઠ આના (પચાસ પૈસા) આપો તો કહું... પેલો મુસાફર કહે ચોક્કસ અમદાવાદ આવ્યું છે!
***
અમદાવાદમાં એક માથાભારે વ્યક્તિએ મહાજનને બેફામ ગાળો આપી. પેલા ભાઈ ઉપર કોઈ જ અસર નહિ. કેમ? મહાજનભાઈ કહે... ‘એ આપે છે ને... આપણી કનેથી કશું લઈ તો જતો નથી ને...!’
***
એક વાર કોઈ કાંકરિયામાં ડૂબતું હતું. જે બચાવ માટે એ ભાઈ બૂમો પાડતા હતા. કિનારે એક ભાઈ ચાલતા હતા તેને તે ડૂબતી વ્યક્તિ કહેતી હતી... ‘મને તમારો હાથ આપો...’ પણ પેલા ભાઈએ હાથ ના આપ્યો. જેવું તેણે કહ્યું... ‘લો... મારો હાથ લઈ લો. મારો હાથ પકડો- એવું કહ્યું કે તરત જ કિનારે ચાલતી વ્યક્તિએ ડૂબતી વ્યક્તિનો હાથ પકડી લીધો...
અમદાવાદીને કોઈ ‘આપો’ એવું કહે તે ના ગમે...
*****
.....અને વિનોદ ભટ્ટે એક વાર મસ્ત વાત કરી હતી. સમગ્ર વિશ્વમાં કબજિયાતના સૌથી વધુ દરદીઓ અમદાવાદમાં છે. કેમ? સાલું... કશું છોડવું પડે તે અમદાવાદીઓને પાલવતું નથી.
***
મુંબઈની એક હોસ્ટેલમાં બધા મિત્રોએ પિકનિક ગોઠવી.
સુરતવાળો કહે હું સુતરફેણી લાવીશ.
ખંભાતવાળો કહે હું હલવાસન લાવીશ. ભાવનગરવાળો કહે કાલે જ ગામથી ગાંઠિયા આવ્યા છે. હું લેતો આવીશ.
વડોદરાવાળો કહે હું લીલો ચેવડો લાવીશ.
એક ખૂણામાં બેઠેલો અમદાવાદી કશું બોલતો નહોતો... બધાએ તેની સામું જોયું... એ ધીમેથી બોલ્યો... ‘કાલે મારા મહેમાન આવવાના છે... હું તેમને લેતો આવીશ...’
***
અમદાવાદ નગર અડધી ચ્હા અને આખા પ્રેમનું નગર છે, પણ અડધી ચ્હા હવે ‘ક્વાર્ટર’ સુધી પહોંચી ગઈ છે. લો-ગાર્ડન વિસ્તારમાં કલાકાર કટિંગ મળે છે.. ચમચીથી ચ્હા પીવી પડે એવા મહાન દિવસો અમદાવાદમાં આવી ગયા છે.
**
ચન્દ્રકાન્ત બક્ષી કહેતા હતા કે અમદાવાદમાં કોઈને પૂછીએ કે આ ફ્લેટ કેટલામાં લીધો? તો જવાબ અચૂક એવો મળે છે કે અમે 35 લાખમાં લીધો હતો, પણ અત્યારે 55-60 લાખ ચાલે છે. આ છે અમદાવાદીનું વ્યક્તિત્વ.
***
અમદાવાદી પોતાને મળેલું જમવાનું એક પણ આમંત્રણ ચૂકે નહીં, પણ મિત્રને તો એવું જ કહેવાનો કે... એ બાજુ નીકળો તો ઘરે આવજો!
**
જેમ અડધી ચ્હા અમદાવાદીએ કરી છે તેમ ‘મિસ કોલ’ની અપૂર્વ શોધ પણ અમદાવાદમાં જ થઈ છે.
અમદાવાદમાં કોલ કરીને જેટલું કોમ્યુનિકેશન થતું હશે તેનાથી વધારે કોમ્યુનિકેશન મિસ્ડકોલ્સ દ્વારા થતું હશે.
***
અમદાવાદના વિશ્વખ્યાત ડોક્ટર મયુર પટેલ પાસેથી એક વાત સાંભળી હતી તે માનવાનું મન થાય એવી નથી, પણ મજા પડે તેવી છે.
એક અમદાવાદીને ફેમિલી ડોક્ટરે સલાહ આપી કે તમને ડાયાબિટીસ છે કે નહીં તે ચેક કરાવો.
એ ભાઈ પહોંચ્યા ‘સ્વાસ્થ્ય’માં મયુરભાઈ પટેલ પાસે.
પોતાનું લોહી મફતમાં આપીને એ ભાઈ કોઈ પણ પ્રકારનો ટેસ્ટ કરાવવા રાજી નહોતા.
મયુરભાઈએ એક ડબ્બી આપીને કહ્યું કે આમા તમારો પેશાબ લેતા આવજો.
તેના પરથી ટેસ્ટ કરીશું.
બીજા દિવસે તે ભાઈ એક મોટી બાટલીમાં પેશાબ લાવ્યા. ડોક્ટર કહે આટલા બધા પેશાબની ક્યાં જરૂર હતી? એ ભાઈ હસતાં હસતાં કહે... આમાં સાહેબ ક્યાં પૈસા આપવાના હોય છે... તમ તમારે રાખોને...’
ડોક્ટરે રિપોર્ટ કર્યો. સાંજે અમદાવાદીભાઈ રિપોર્ટ લેવા આવ્યા.
ડો. મયુર પટેલે કહ્યું કે, ખુશીની વાત છે. આપને ડાયાબિટીસ નથી.
એ ભાઈ રિપોર્ટ લઈને ઊભા થઈ ગયા અને ખુશીમાં ઠેકડો મારીને બોલ્યા, ‘ડોક્ટર, સાહેબ મને એકલાને નહિ... મારા આખા પરિવારને ડાયાબિટીસ નથી...’
*****
તો આવી છે જાતભાતની કંજૂસ ગણાતા અમદાવાદીની દંતકથાઓ જેવી હાસ્યકથાઓ.
🎂🥳 Happy Birthday my sweet 🧁 lovely 🎉 city 🌆 Amdavad 🥳🎂🎉🎈
Comments