સંપૂર્ણ આહાર એટલે દૂધ
Images source pixabay.com |
ઇશ્વરે માતાના સ્તનમાં દૂધની ગોઠવણ કરી નવજાત શિશુ માટે જે વ્યવસ્થા કરી છે, તેનો લાભ લેવા સાથે આપણે પ્રાચીન કાળથી આજીવિકાના સાધન તરીકે દૂધનો ઉપયોગ કરતા આવીએ છીએ. વિશ્વમાં ખેતી પછી બીજા ક્રમે ડેરી ઉદ્યોગ આવતો હોય આશરે પંચોતેર કરોડથી વધારે લોકો દૂધ અને તેને સંલગ્ન વ્યવસાય સાથે સંકળાયેલા છે.
હોલેન્ડ, ન્યુઝીલેન્ડ, ઓસ્ટ્રેલીયા, બ્રાઝીલ, અમેરિકા વગેરે દેશોમાં દૂધનું મોટાપાયે ઉત્પાદન થતા તેની નિકાસ કરવામાં આવે છે, જ્યારે ચીન અને રશિયા વિશ્વના મોટા આયાતકાર દેશો ગણાય છે. જોકે ભારત વિશ્વમાં સૌથી વધુ દૂધ ઉત્પાદન કરનાર અને દૂધનો સૌથી વધુ વપરાશ કરનાર દેશ તરીકે આગવું સ્થાન ધરાવે છે.
માતાના દૂધને શ્રેષ્ઠ પોષક આહાર માનવામાં આવે છે, તે સાથે દૂધને રોગ પ્રતિકારક શક્તિ સાથે નવજાત શિશુને વંશ પરંપરાગત જૅનેટિક વારસો આપવામાં તેને મહત્વનો ફાળો આપનાર માનવામાં આવે છે. માતાના દૂધના વિકલ્પ તરીકે તૈયાર કરવામાં આવેલ કોઈ પણ શિશુ આહાર માતાના દૂધનો વિકલ્પ ક્યારેય પૂરો પાડી શકતો નથી, તેથી નવજાત શિશુને છ માસ સુધી માતાના દૂધથી દૂર કરવાનું જોખમ માતાએ લેવું ન જોઈએ. જોકે નવા જમાનાની માતાઓ સ્તનપાનની જગ્યાએ જુદીજુદી બ્રાન્ડના દૂધ અને તેની બનાવટો બાળકને પીવડાવી તેનો કુદરતી વિકાસ અવરોધી બાળકને જૅનેટીક ખામીઓ સાથે માયકાંગલો બનાવતી આપણે જોઈ રહ્યા છીએ.
પાચન તંત્ર માટે શ્રેષ્ઠ માનવામાં આવતા દૂધમાં 85% પાણી સાથે શરીરના વિકાસ માટે તેમાં રહેલા અતિ આવશ્યક 15% પોષક તત્વોના કારણે આયુર્વેદમાં તેને ‘સંપૂર્ણ આહાર’ તરીકે સ્થાન આપવામાં આવેલ છે. દૂધમાં વિટામીન ‘સી’ સિવાયના તમામ વિટામિન્સ ઉપરાંત કેલ્શિયમ, પ્રોટીન, આયર્ન, ફોસ્ફોરસ, મેગ્નીશ્યિમ, આયોડીન, ઉર્જાયુક્ત મિનરલ્સ, સુગર, ચરબી ઉપરાંત અનેક પ્રકારના પોષક તત્વો સાથે જીવંત સફેદ રક્તકણો આવેલા હોય ચરકસંહિતામાં મહર્ષિ ચરકે દૂધને અમૃત સાથે સરખાવી તેને ‘ક્ષીરં જીવયતિ’ જીવનદાતા દર્શાવેલ છે. અઢીસો ગ્રામ માંસ અને ત્રણ ઈંડા કરતા પાંચસો ગ્રામ દૂધને વધુ શક્તિવર્ધક માનવામાં આવે છે.
ગાય, ભેંસ અને બકરીના દૂધનો આપણે ત્યાં આહાર તરીકે વિશેષ ઉપયોગ થાય છે. આયુર્વેદમાં ઘેટી, ઉંટ, યાક, ગધેડી, ઘોડી વગેરેના દૂધનો ઔષધ તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. આ ઉપરાંત સૂર્યમુખી, મગફળી, નાળિયેર, ચોખા, સોયા વગેરેમાંથી પણ દૂધ બનાવવામાં આવે છે, જે અંગ્રેજીમાં ક્રોપ મીલ્ક તરીકે ઓળખાય છે.
દૂધની બનાવટો જેવી કે દહીં, છાશ, માખણ, ઘી, પનીર, માવો, આઇસ્ક્રીમ, મિઠાઈઓ વગેરે પાચનતંત્રને કાર્યક્ષમ બનાવી પેટને શીતળતા આપે છે. દૂધ સિવાય ભાગ્યે જ અન્ય ખાદ્ય પદાર્થમાં જોવા મળતું કેસીન નામનું પ્રોટીન તત્વ દૂધને સફેદ બનાવે છે.
ગાયના દૂધ કરતા ભેંસના દૂધમાં કેલ્શિયમની જગ્યાએ કેસીનનું પ્રમાણ વધારે હોય ભેંસનું દૂધ વધારે સફેદ હોય છે. જ્યારે ગાયના દૂધમાં કેસીનની જગ્યાએ કેલ્શિયમનું પ્રમાણ વધારે હોય ગાયનું દૂધ અને તેની બનાવટો પીળાશ પડતી જોવા મળે છે.
સહેજ તુરા સ્વાદ સાથે પચવામાં હળવા બકરીના દૂધને ત્રિદોષ હરનાર માનવામાં આવેલ હોય તેનું નિત્ય સેવન કરનાર હંમેશાં નિરોગી રહે છે. બકરીનું દૂધ ક્ષય, પિત્તના રોગો, ખાંસી અને મરડાના ઉપચારમાં મહા ઔષધની ગરજ સારે છે, તો શ્વાસ કે અસ્થમાની બીમારી માટે ગઘેડીના દૂધને રામબાણ ઈલાજ માનવામાં આવે છે.
મહાભારત ગ્રંથમાં ગાયના દૂધને પૃથ્વી પરનું અમૃત કહેવામાં આવેલ છે, તો ચરકસંહિતામાં ગાયના દૂધને દસ ગુણ સાથે ‘ગવ્યં દશગુણં પય:’ તરીકે ઓળખાવી તેને ઉત્તમ દૂધ તરીકે સ્થાન આપવામાં આવેલ છે. ગાયનું દૂધ કેન્સરના કીટાણુનો નાશ કરનાર, ક્ષય, અલ્સર, તેમજ આંખ, હૃદય, પેટ, ચામડીના રોગોમાં ઔષધ તરીકે ખૂબ જ લાભદાયી માનવામાં આવેલ છે. આયુર્વેદમાં ગાયના દૂધને કોલેસ્ટ્રોલ ઘટાડનાર, લોહીના પરિભ્રમણને સુગમ બનાવનાર, ગરમ દૂધ કફ અને ગરમ દૂધને ઠંડુ કરી પીવાથી પિત્તનો નાશ કરનાર માનવામાં આવેલ છે.
ગર્ભવતી મહિલા દ્વારા ચાંદીના વાસણમાં ગાયનું દૂધ મેળવી તૈયાર કરેલ દહીંનું નિયમીત સેવન કરવામાં આવે, તો દિવ્ય બાળકના જન્મની સંભાવના રહેલી હોવાની એક માન્યતા પ્રવર્તે છે. ગાયનું ઘી શરીરમાં રહેલા તમામ પ્રકારના ઝેરનો નાશ કરનાર, ઘાને રૂઝાવનાર, તાકાત આપનાર અને હૃદય માટે લાભકારી માનવામાં આવે છે.
ગાયના ઘી-દૂધમાંથી બનાવેલ શીરો પ્રસુતા સ્ત્રીને તંદુરસ્ત રાખે છે. ગાયના ધીનો દિવો ઘરના વાયુમંડળને શુદ્ધ અને પવિત્ર બનાવે છે. દૂધમાં રહેલ સેરોટોનિન હોર્મોન તત્વ મગજને શાંત કરી ઉંઘ માટે મદદરૂપ થાય છે.
રાતના વધારે પડતું દૂધ પીવાથી સ્વપ્ન દોષનો પણ સંભવ રહેલ છે. રાત્રી ભોજન બાદ ત્રણ કલાક પછી સૂતી વખતે દૂધ પીવાથી તે સરળતાથી પચી જવા સાથે ગુણકારક સાબીત થાય છે. જોકે દૂધમાં ખાંડ નાંખવાથી તેમાં રહેલા કેલશ્યિમને નુકશાન થતું હોય મીઠું દૂધ પીવાની આદત ધરાવતી વ્યક્તિએ મધ કે સાકર ઉમેરી પીવું જોઈએ. દૂધના ભારેપણા, મીઠાશ અને ઠંડા સ્વભાવના કારણે તેને કફ વધારનાર માનવામાં આવે છે.
આજકાલ બાળકો દૂધની જગ્યાએ ફાસ્ટફુડ વધુ પસંદ કરતા હોય સમજદાર માતાઓ પોતાનું બાળક દૂધ જેવા પૌષ્ટિક આહારથી વંચીત ન રહે તે માટે પાણીને બદલે દૂધમાં લોટ બાંધી રોટલી બનાવી બાળકોને ખવરાવવાનું પસંદ કરે છે. એક માન્યતા મુજબ શરદ પૂનમની ચાંદનીમાં મૂકી રાખેલ દૂધ, પૌંઆ અને સાકરની વાનગી ખાવાથી પિત્ત સંબંધિત શારીરિક વ્યથાઓ દૂર થવા સાથે મનને શાંત કરવામાં મદદરૂપ થાય છે.
લેખક : જયંતિભાઈ આહીર
Comments