માતૃશ્રાદ્ધ કર્મ એટલે અર્પણ, તર્પણ અને સમર્પણનો ત્રિવેણી સંગમ...
લેખક - જયંતિભાઈ આહીર
શ્રાદ્ધ શબ્દ શ્રદ્ધા ઉપરથી બનેલો છે. શ્રાદ્ધનો મહિમા જણાવતા શ્રાદ્ધ એટલે માતા-પિતા સાથે સગા-સંબંધી પ્રત્યેની શ્રદ્ધા વ્યક્ત કરવી તેમના પ્રત્યે નિષ્ઠા કાયમ કરવી. 1. પ્રત્યક્ષ અને 2. અપ્રત્યક્ષ એમ બે પ્રકારની શ્રાદ્ધવિધિ હોય છે. પ્રત્યક્ષ વિધિમાં પુત્ર બ્રાહ્મણ સમક્ષ બેસી પિતૃઓનું સ્મરણ કરી શ્રાદ્ધ કરે છે. જ્યારે અપ્રત્યક્ષ વિધિમાં પિતૃઓેને સ્થાને ઘટ મૂકી પિતૃઓનું આહવાન કરતા પૂજા કરે છે.
સામાન્ય રીતે પિંડદાન કરવાથી અતૃપ્ત આત્મા તૃપ્ત થતા મુક્તિ પામે છે. શ્રાદ્ધવિધિ દરમ્યાન પુત્રનું મુંડન આવશ્યક હોવા સાથે શાસ્ત્રોમાં મુંડનને સંસ્કાર ગણાવેલ છે. હિન્દૂ શાસ્ત્રોમાં બિંદુ સરોવર ખાતે કરવામાં આવતા માતૃશ્રાદ્ધનો ખાસ મહિમા છે. ગયાજીમાં પિતૃશ્રાદ્ધના મહિમાની જેમ સરસ્વતી કિનારે આવેલા પવિત્ર તિર્થસ્થાન સિદ્ધપુર ખાતે કરવામાં આવતા માતૃશ્રાદ્ધનું વિશેષ મહત્વ છે. ખાસ કરી કારતક, ચૈત્ર અને ભાદરવા માસમાં પવિત્ર બિંદુ સરોવરમાં માતૃશ્રાદ્ધ કરવાથી પિતૃઓને મોક્ષ પ્રાપ્તિ થાય તેવો મહિમા છે.
પૌરાણિક કથા મુજબ હજારો વર્ષ પહેલાં સૃષ્ટિ સર્જન કરતા મહર્ષિ કર્દમ અને માતા દેવહૂતિએ નવ- નવ પુત્રીઓ બાદ પુત્ર પ્રાપ્તિ માટે સરસ્વતી તટે સિદ્ધ ક્ષેત્રમાં કઠોર તપશ્ચર્યા કરતા ભગવાન શ્રીનારાયણ પ્રસન્ન થયા. અને પ્રસન્ન થતા માતા દેવહૂતિની કૂખે જન્મ લેવાનું વચન આપતા ભગવાન શ્રીનારાયણે પોતાના પાંચમા અવતાર કપિલ મુની તરીકે અવતર્યા. મહામુનિશ્રી કપીલે નાની ઉંમરમાં જ માતા દેવહૂતિને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી તેનો ઉદ્ધાર કર્યો હતો. ઉપદેશથી કૃતાર્થ થયેલા માતા દેવહૂતિની આંખોમાંથી હર્ષના આંસુ પડતા તે સ્થળ બિન્દુ સરોવર તરીકે પ્રસિદ્ધ થતા હિંદુ ધર્મના ચાર પવિત્ર સરોવરમાં 1. નારાયણ સરોવર, કચ્છ, ગુજરાત 2. પંપા સરોવર, મૈસુર, કર્ણાટક 3. માન સરોવર, હિમાલય 4. બિન્દુ સરોવર, સિદ્ધપુર, ગુજરાતનો સમાવેશ થયો. માતા દેવહૂતિની સાથે ભગવાન કપીલે 'અલ્પા' નામની દાસીનો પણ ઉદ્ધાર કરતા તે સ્થાન 'અલ્પા સરોવર' તરીકે પ્રસિદ્ધ થયું. એ સાથે ભગવાન કપિલે જે સ્થળે માતાને સાંખ્ય શાસ્ત્રનો ઉપદેશ આપી જીવનમુક્તિ અપાવી તે સ્થળ જ્ઞાાનવાટિકા તરીકે પ્રસિદ્ધ થયું. કપિલ મુનિના ઉપદેશથી માતા દેવહુતિને પરમ પદ પ્રાપ્ત થતા સિદ્ધપુર (સિદ્ધ ક્ષેત્ર) માતૃશ્રાદ્ધનું તીર્થસ્થાન બન્યું.
ભગવાન શ્રીકપિલ મહામુનિ અને પુરાણો મુજબ માતૃગયા તીર્થ બિંદુ સરોવરમાં પિંડદાન કરવાથી માતાને મોક્ષ પ્રાપ્તિ અને માતૃ ઋણમાંથી મુક્તિ સાથે વંશવૃદ્ધિ અને સમૃદ્ધિ પ્રાપ્ત થતી હોવાનો ઉલ્લેખ છે. એક માન્યતા પ્રમાણે ભગવાનશ્રી પરશુરામે માતૃહત્યાના ઋણમાંથી મુક્ત થવા જ્ઞાાન વાટિકા ખાતે પિંડદાન કરેલું.
પિતૃશ્રાધ્ધ વિધિ અગાઉ મેં દામોદરકુંડ, હરિદ્વાર, બદ્રીનાથ, કાશી, પ્રયાગરાજ, ગયાજી, ગંગાસાગર, રામેશ્વરમ, કન્યાકુમારી, કાવેરી, ત્રિવેણી સંગમ ભવાની(તામિલનાડુ) વગેરે પવિત્ર તિર્થ સ્થાનો પર કરાવી પિતૃઋણ અદા કરવાની કોશિશ કરેલ છે, પરંતુ સાવ નજીકમાં જ આવેલા પવિત્ર પાવનભૂમિ સિદ્ધ ક્ષેત્ર માતૃ ગયાજી સિદ્ધપુરમાં શ્રાદ્ધ વિધિ કરવાની બાકી રહી ગઈ છે. જો પિતૃઓનો આદેશ હશે તો આ ધર્મકાર્ય પણ પિતૃકૃપાથી આ પિતૃ માસમાં જ પૂર્ણ કરવાની ઇચ્છા છે.
- જયંતિભાઈ આહીર
Comments