સર્વે મિત્રોને નવરાત્રી ઉત્સવની હાર્દિક શુભકામના......
નવરાત્રી (નવરાત્ર)માં આદ્યશક્તિની પૂજા-ઉપાસના કરવામા આવે છે. નવરાત્રી એટલે નવ રાત અને દસ દિવસ દરમિયાન આદ્યશક્તિના દુર્ગા, ભદ્રકાલી, જગદંબા(અંબા), અન્નપૂર્ણા, સર્વમંગલા, ભૈરવી, ચંડી, લલિતા, ભવાની અને મોકામ્બિકા નામે જુદાજુદા નવ સ્વરૂપની ઉમંગ-ઉત્સાહથી પૂજા કરવામાં આવે છે.
નવરાત્રીના પહેલે દિવસે ઘટસ્થાપન સાથે માતાજીનું આવાહન અને પૂજા થાય છે, ઘટસ્થાપનમાં માટીની છિદ્રોવાળી મટકી (ગરબી કે ગરબો)ને ઘરની પવિત્ર જગ્યાએ મૂકવામાં આવે તેને ઘટસ્થાપન કહે છે. ગરબામાં નવ દિવસ અખંડ દીવો પ્રગટાવેલો રાખતા તેને સૃષ્ટિનું પ્રતીક માનવામાં આવે છે. અખંડ દીવા થકી તેજ સ્વરૂપ આદિશક્તિની પૂજા કરવામાં આવે છે. નવરાત્રીના નવ દિવસ ઉપવાસ, એકટાણાં, અનુષ્ઠાન, નામજાપ, હોમ-હવન અને વ્રતનું ખાસ મહત્વ છે. પ્રથમ દિવસે ઘટસ્થાપન અને આઠમ કે નોમને દિવસે માતાજીને નૈવેદ્ય ધરાવી કુમારિકાઓને ભોજન કરાવવામાં આવે છે.
હિંદુ શાસ્ત્રોમાં વસંત (ચૈત્ર) નવરાત્રી, ગુપ્ત (અષાઢ) નવરાત્રી, શરદ (આસો) નવરાત્રી, પુષ્ય (પોષ) નવરાત્રી અને વૈકલ્પિક (માઘ) નવરાત્રીનો મહિમા છે. નવરાત્રી દેવી દુર્ગાના ઉત્સવનું પ્રતીક છે, જે દેવીને શક્તિ (ઊર્જા)ના સ્વરૂપે વ્યક્ત કરે છે. શરદ નવરાત્રી અશ્વિન (આસો) મહિનાના અજવાળીયા પક્ષના પ્રથમ દિવસે શરૂ થાય છે. અને દસમો દિવસ વિજયાદશમી (દશેરા) તરીકે ઉજવાય છે, દશેરાના દિવસે આયુધ પૂજા સાથે ઘૂમઘામથી ખેતીના સાધનો, તમામ પ્રકારના હથિયારો, મશીનો, સાધનસામગ્રી, વાહનો વગેરેની પૂજા કરવામાં આવે છે. અને અભ્યાસ, ખેતી તેમજ ધંધા-રોજગારની શુભ શરૂઆત કરવામાં આવે છે. વિજયાદશમીને પાપ પર ભલાઇની જીત તરીકે પણ ઉજવવામાં આવે છે.
પશ્વિમ બંગાળમાં શરદ નવરાત્રીના છેલ્લા ચાર દિવસોને દુર્ગા પૂજા તરીકે ઉજવવામા આવે છે, જે બંગાળીઓનો સૌથી મોટો ઉત્સવ છે. ગુજરાતમાં નવરાત્રીની ઉજવણી ગરબા અને દાંડિયારાસ લોકનૃત્યથી થાય છે. ગુજરાતના વિશ્વ પ્રસિદ્ધ નવરાત્રી તહેવારમાં ભાગ લેવા દેશ-વિદેશથી મોટી સંખ્યામાં લોકો આવે છે. કેરળમાં શરદ નવરાત્રીના છેલ્લા ત્રણ દિવસ અષ્ટમી, નવમી અને વિજયાદશમીની ઉજવણી સરસ્વતી પૂજા તરીકે થાય છે. વિજયાદશમીના દિવસે સરસ્વતીની પૂજા બાદ મંદિરમાં અષ્ટમીના દિવસે મુકેલા પુસ્તકો વાંચવા - લખવા માટે બહાર કાઢવામાં આવે છે. વિજયાદશમીને દિવસે બાળકો માટે લખવા - વાંચવાની શરૂઆતને શુભ માનતા તેને વિદ્યાઆરંભ કહેવામાં આવે છે.
નવરાત્રીમાં કરવામાં આવતા ઉપવાસના કારણે તન સાથે મન તંદુરસ્ત રહે છે. નવરાત્રી આત્મનિરિક્ષણ સાથે પવિત્રતાનો ઉત્સવ છે, જે નવા કાર્યના શુભારંભ સાથે માંગલિક અને ધાર્મિક કાર્ય માટે શુભ મનાય છે.
નવલા નવરાત્રીના પવિત્ર પ્રસંગે સૌ મિત્રો ઉપર પરમકૃપાળુ મા શ્રીજગદંબાની કૃપા દ્રષ્ટિ વરસતી રહે તેવી પ્રાર્થના સહ......
-જયંતિભાઈ આહીરના જય શ્રીમોમાઈ માતાજી
Comments