ગૂગલના નવા ફીચરથી વેબકેમની જેમ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ
ગત વર્ષે જ ગૂગલે એન્ડ્રોઇડ ૧૩ને રજૂ કર્યો હતો, જેમાં સારાં એવાં સિક્યોરિટી ફીચર્સ આપવામાં આવ્યાં હતાં અને હવે ગૂગલે એન્ડ્રોઇડ ૧૪ માટે તડામાર તૈયારી કરી લીધી છે. નોંધનીય છે કે, એન્ડ્રોઇડ ૧૪ આવ્યા બાદ એન્ડ્રોઇડ ફોનનો ઉપયોગ એક વેબકેમની જેમ પણ કરી શકાશે.
આ ફીચરનો મતલબ એમ થયો કે યૂઝર્સ પોતાના એન્ડ્રોઇડ ૧૪વાળા એન્ડ્રોઇડ ફોનમાં યૂએસબી દ્વારા એક્સટર્નલ વેબકેમનો ઉપયોગ સરળતાથી કરી શકશે. એવામાં વીડિયોકૉલની ક્વોલિટી પણ વ્યવસ્થિત જળવાઇ રહેશે.
આ ફીચર એન્ડ્રોઇડ ફોન અને ટેબ બંને માટે રહેશે. જોકે, આ સુવિધા પહેલેથી જ ઘણી થર્ડ પાર્ટી એપ્સ આપી રહી છે, પરંતુ હવે ગૂગલે પણ આ ક્ષેત્રે ઝંપલાવ્યું છે. આ તરફ એકસપર્ટે હાલમાં જ AOSP Gerritમાં સબમિટ કરવામાં આવેલા કોડને જોયો છે. આ કોડમાં એ વાતનો સંકેત મળ્યો છે કે ગૂગલ મોબાઇલ ડિવાઇસને પીસી, મેક કે ક્રોમબુકના વેબકેમના રૂપે કામ કરવા માટે તૈયાર છે.
આ ફીચરને ‘DeviceAsWebcam' કહેવામાં આવશે. ગૂગલ તરફથી આ ફીચરને લઇને કોઇ પુષ્ટિ હજી સુધી કરવામાં આવી નથી, જ્યારે એપલ આ સુવિધા પહેલેથી જ આપી રહી છે.
Comments