પુરાણોમાં યદુવંશ અને સહસ્ત્રાર્જુન
...લેખક: જયંતિભાઈ આહીર
ઋગવેદથી લઈ અર્વાચીન ઇતિહાસકારોના મંતવ્ય મુજબ આહીરો યુગોથી સૌરાષ્ટ્રમાં વસવાટ કરતા આવ્યા છે. મહાભારત કાળ પહેલા હિંદુશાસ્ત્રો પ્રમાણે ત્રેતાયુગમાં ઋષિ વાલ્મિકી કૃત રામાયણમાં સૌરાષ્ટ્રને શૂરાભિર દેશ તરીકે વર્ણવી અહીં આભીર(આહીર) પ્રજા રહેતી હોવાનો ઉલ્લેખ કરેલો છે. એ સાથે વિષ્ણુ પુરાણ, હરિવંશ પુરાણ, મહાભારત વગેરે ધાર્મિક ગ્રંથોમાં યદુવંશનો વિસ્તૃત ઉલ્લેખ જોવા મળે છે. વિષ્ણુ પુરાણમાં ચંદ્રવંશના રાજા શૂરના વંશજ રાજા હર્યશ્વની રાણી મધુમતીના મહાપ્રતાપી પુત્ર યદુના વંશનો મહિમા વર્ણવ્યો છે.
યદોર્વંશ નર: શ્રૃત્વા સર્વ પાપૈ: પ્રમુચ્યતે l
યત્રા વતીર્ણ વિષ્ણ્વાખ્યં પરબ્રહ્મ નિરાકૃતિ ll
જે કુળમાં શ્રીહરિ વિષ્ણુ ભગવાન સંજ્ઞાધારી નિરાકાર પરબ્રહ્મ શ્રીકૃષ્ણ સ્વરૂપે માનવ દેહ ધારણ કરી અવતર્યા, યદુના વંશનો મહિમા સાંભળતા મનુષ્ય સર્વ પાપોથી મુક્ત થઈ જાય છે.
પ્રાચીન જૈનગ્રંથોમાં આહીર(યાદવ) સૌરાષ્ટ્રમાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યા તે અગાઉથી વસતા હોવાનો ઉલ્લેખ જોવા મળે છે. જૈનગ્રંથો મુજબ યદુ રાજાના લગ્ન નાગ કન્યા સાથે થતા તેને માધવ, હરિત, મુચુકુંદ, પદ્મવર્ણ અને સારસ નામે પાંચ પુત્રો થયા. યદુના મોટા પુત્ર માધવ ગિરનારની તળેટીમાં આવેલ ગિરિપુર નામના નગરમાં શાસન કરતા. જયારે તેના નાના ભાઈઓ હરિત, મુચુકુંદ, પદ્મવર્ણ અને સારસે માતામહની સાથે રહી શંખોદ્વાર (કચ્છ), વિંધ્યાચલ-સાતપુડા તેમજ સહ્યાદ્રીનો વિશાળ પ્રદેશ તેમજ દક્ષિણ ભારતમાં યદુવંશની અમર્યાદ સત્તા ફેલાવી હતી.
વિષ્ણુ પુરાણ મુજબ યદુના પૌત્ર શતજીતની અગીયારમી પેઢીએ અર્જુન થયો, જેણે ગુરુ દત્તાત્રેયની આરાધના કરી તેમને પ્રસન્ન કરતા એક હજાર હાથ જેટલા બળનું વરદાન મેળવતા તે સહસ્ત્રાર્જુન નામે પ્રસિદ્ધ થયા. નર્મદાના તટ પ્રદેશ ઉપર રાજ કરતા સહસ્ત્રાર્જુનની રાજધાની માહિમ્મતી નામની નગરી નર્મદા કિનારે આવેલ હતી. મહાપરાક્રમી સહસ્ત્રાર્જુન એક વખત નર્મદા નદીમાં સ્નાન કરી રહ્યો હતો, ત્યારે લંકાપતિ રાવણે તેની ઉપર આક્રમણ કરતા ગુસ્સે થયેલા સહસ્ત્રાર્જુને છ માસ સુધી રાવણને પકડી બગલમાં દબાવી રાખી દયા આવતા તેને મુક્ત કર્યો. વિષ્ણુ પુરાણમાં નીચે દર્શાવેલો શ્લોક સહસ્ત્રાર્જુનનો મહિમા દર્શાવે છે.
ન નૂનં કાર્તવીર્યસ્યગતિ યાસ્યન્તિ પાર્થિવા l
યજ્ઞૈર્દાનૈસ્તપો ભિર્વા પ્રશ્નયેણ દમેન ચ ll
કોઈપણ રાજા યજ્ઞો વડે, દાન વડે, તપ વડે, વિનય વડે કે ઇન્દ્રિયો ઉપર મેળવેલા વિજયથી પણ સહસ્ત્રાર્જુન જેવી પદવી ક્યારેય પામી શકશે નહીં.
સહસ્ત્રાર્જુનના રાજયમાં વારંવાર ઉપદ્રવ કરતા ભાર્ગવોને સહસ્ત્રાર્જુને યુદ્ધમાં પરાજીત કરતા તેઓએ જમદગ્નિ નામના ઋષિના આશ્રમમાં આશરો લીધો. ભૃગુકચ્છમાં આવેલા જમદગ્નિના આશ્રમમાં રહી સહસ્ત્રાર્જુનના રાજમાં ઉપદ્રવ કરતા ભાર્ગવોને સબક શીખવવા સહસ્ત્રાર્જુનના પુત્રોએ આશ્રમ ઉપર આક્રમણ કરી તેને આકરો દંડ કરેલ. એ સાથે આ આક્રમણથી આશ્રમને નુકશાન થતા જમદગ્નિ ઋષિના પુત્ર પરશુરામને જાણ થતા તેણે માહિમ્મતી ઉપર આક્રમણ કરી સહસ્ત્રાર્જુનનો વધ કર્યો. યુદ્ધમાં સહસ્ત્રાર્જુન મૃત્યુ પામતા તેના સો પુત્રોએ આશ્રમ ઉપર આક્રમણ કરી જમદગ્નિ ઋષિને મારી નાંખ્યા.
જમદગ્નિ ઋષિ મરાતા તેના પુત્ર પરશુરામે ક્રોધાવેશમાં આવી પૃથ્વી ઉપરથી ક્ષત્રિયોનો નાશ કરવાનું પ્રણ લેતા સહસ્ત્રાર્જુનના સો પુત્રો સાથે એકવીસ વખત યુદ્ધ કરેલ, આ યુદ્ધોમાં સહસ્ત્રાર્જુનના સોમાંથી પંચાણું પુત્રો માર્યા ગયા. જ્યારે બાકી બચેલા પાંચ શૂર, મધુ, જયધ્વજ, વૃષભ અને ઉર્જતે રાજાની પદવી, ક્ષત્રિય ધર્મ અને માહિમ્મતી નગરીનો ત્યાગ કરી પરશુરામ સાથે સમાધાન કર્યું.
પરશુરામ સાથે થયેલ સમાધાનની શરતો મુજબ સહસ્ત્રાર્જુનના મોટા પુત્ર શૂરે સૌરાષ્ટ્ર, મધુએ મથુરા અને જયધ્વજ, વૃષભ અને ઉર્જતે અવંતિમાં ગણરાજ્યોની સ્થાપના કરી ક્ષાત્રધર્મનો ત્યાગ કરી પશુપાલન અને ખેતીનો વ્યવસાય અપનાવતા તેઓ આભીર (આહીર) તરીકે ઓળખાયા. સહસ્ત્રાર્જુનના મથુરામાં સ્થિર થયેલા પુત્ર મધુને સો પુત્રો થયા, જેમાં સૌથી મોટા પુત્ર વૃષ્ણિના વંશજો વૃષ્ણિ કે માધવ તરીકે ઓળખાયા...લેખક: જયંતિભાઈ આહીર
Comments