પ્રવાસનો 11મો દિવસ ભાગ -19 21 નવેમ્બર 2022, રોયલ પેલેસ, અંગકોર વાટ, કંબોડિયા:જયંતિભાઈ આહીર
લેખક: જયંતિભાઈ આહીર
પીરામીડ આકારનું ભવ્ય ફીમેનાકાસ મંદિર જોઇ અમો અંગકોર થોમનો પ્રસિદ્ધ રોયલ પેલેસ જોવા આગળ વધ્યા. આશરે 14 હેકટરમાં પથરાયેલો રોયલ પેલેસ અંગકોર થોમના રાજા સૂર્યવર્મન I-એ બંધાવ્યો હોવાનું મનાય છે. રાજા સૂર્યવર્મન 1-એ કંબોડિયાની રાજધાની કોહ કેરથી અંગકોર થોમ ખસેડતા અહીં 10-11મી સદીમાં રોયલ પેલેસ બંધાવ્યો, જે અંગકોર થોમના વિજય દ્વાર અને બેયોન મંદિરની સીધી લીટી પર આવેલો છે.
લંબચોરસ આકારનો રોયલ પેલેસ ઉત્તર-દક્ષિણ 246 મીટર અને પૂર્વ-પશ્ચિમ 585 મીટર સાથે 5 મીટર ઊંચી લાલ રેતીયા પથ્થર (લેટેરાઇટ)ની દિવાલોથી સુરક્ષિત હતો. રોયલ પેલેસના દક્ષિણમાં બે, ઉત્તરમાં બે અને પૂર્વમાં સૌથી મોટો વિક્ટરી ગેટ એક સાથે કુલ પાંચ ગોપુરમ (દરવાજા) આવેલા હતા. જે રાજા સૂર્યવર્મન I દ્વારા બાંધવામાં આવ્યા હોવાનું મનાય છે. પૂર્વીય દરવાજા બહાર રોયલ પેલેસને સુરક્ષિત રાખવાના હેતુથી પાણીની ઊંડી ખાઈ બનાવવામાં આવેલી જોવા મળે છે.
રોયલ પેલેસ, અંગકોર થોમ ઇસુની 11થી 16મી સદી સુધી રાજ પરિવારનું નિવાસ બની રહેલો. રોયલ પેલેસમાં સમયાંતરે ઘણા સુધારા થયા હોવાનું ખોદકામમાં મળી આવેલા અવશેષો પરથી જાણી શકાય છે. રાજા સૂર્યવર્મન 1લા પછી 13મી સદીમાં થયેલા રાજા જયવર્મન VII એ રોયલ પેલેસ કેમ્પસને બહારની જમીન કરતા 1.2 મીટર ઉંચુ લીધું. એ સાથે રોયલ પેલેસમાં વિજય દરવાજા સાથે જોડાયેલા એલીફન્ટ ટેરેસનો ઉમેરો કર્યો. ફીમેનાકાસ મંદિરની ભવ્યતા વાગોળતા રોયલ પેલેસ મેદાનમાં દાખલ થતા અમો 350 મીટર લાંબો રાજા જયવર્મન VII એ બંધાવેલા એલીફન્ટ ટેરેસ પાસે આવી પહોંચ્યા.
રાજા જયવર્મન VIIમો એલીફન્ટ ટેરેસ પર ઊભા રહી અંગકોરિયન સેના યુદ્ધમાં વિજય થઇ પરત ફરતા તેનું અભિવાદન કરતો. રોયલ પેલેસ મેદાનમાં આયોજીત જાહેર સમારંભો વખતે રાજ પરિવાર એલીફન્ટ ટેરેસનો પ્રેક્ષક હોલ તરીકે ઉપયોગ કરતા. એલીફન્ટ ટેરેસ મોટાભાગે અસ્થાયી સામગ્રીથી બનેલો હોય હાલ થોડા ખંડેર બચ્યા છે. એલીફન્ટ ટેરેસ (પ્લેટફોર્મ)ની પૂર્વ તરફ હાથીઓની શિલ્પ કૃતિઓ જોવા મળે છે. એલીફન્ટ ટેરેસ દિવાલના મધ્ય ભાગમાં લાઈફ સાઈઝ ગરુડ અને સિંહોની શિલ્પ કૃતિઓ જોવા મળી. એ સાથે ટેરેસના છેડે હાથીઓની ખ્મેર મહાવતો સાથેની લાઇનબદ્ધ પરેડ બે ભાગમાં જોવા મળી.
રોયલ પેલેસની ઉત્તર બાજુએ પાણીના નાના હોજ આવેલા છે, જેમાં સૌથી મોટો 50 x 145 મીટરનો હોજ ઉત્તર-મધ્યમાં આવેલો છે, આ સ્નાનાગારમાં નીચે ઉતરતા સેન્ડસ્ટોન પ્લેટફોર્મના ઉપલા થરમાં નાગ - નાગણો, દરિયાઈ રાક્ષસો, નર- માદા ગરુડ વગેરેની શિલ્પ કૃતિઓ કોતરેલી જોવા મળી. રોયલ પેલેસ કંપાઉન્ડમાં રાજા જયવર્મન VIII-એ બારીક શિલ્પ કામથી શોભતી દિવાલો અને સુંદર પગથિયા સાથે 5625 ચોરસ મીટરનો ઘેરાવો ધરાવતું તળાવ બંધાવ્યું હતું, રેતીયા પથ્થરની દિવાલોથી ઘેરાયેલા આ તળાવની દક્ષિણ-પશ્ચિમ દિવાલો ત્રણ સ્તરના પાયાની બનેલી છે. જેમાં સૌથી નીચેનો પાયો પાણીની અંદર જોવા મળે છે, નીચેના પાયાની દિવાલમાં દરિયાઈ જીવો અને પૌરાણિક પાત્રોની શિલ્પ કૃતિઓ કોતરેલી જોવા મળે છે, બીજા થરમાં વિવિધ દેવતાઓ અને ત્રીજા થર(પાયા)માં રાજવી પરિવાર અને ભદ્ર લોકોની શિલ્પ કૃતિઓ જોવા મળે છે. આ તળાવ ફીમેનાકાસ મંદિર સુધી વિસ્તરેલું છે. એ સાથે રોયલ પેલેસની પૂર્વ અને પશ્વિમમાં નાના તળાવો આવેલા છે.
એલિફન્ટ ટેરેસ સાથે જોડાયેલા પૂર્વીય પ્રવેશદ્વારના મુખ્ય માર્ગને ક્રોસ કરતા માર્ગ પાસે ઓવરહેંગિંગ ટોપ સાથે ગોળાકાર સ્થંભથી શોભતું સ્વસ્તિક આકારનું પ્લેટફોર્મ 16મી સદીમાં બનાવવામાં આવ્યું હતું. જે વિશાળ ત્રિકોણાકાર સાથે ત્રણ સ્તરમાં બંધાયેલું છે, જેના દરેક ખૂણા પર દેવતાઓ વગેરેની બારીક શિલ્પ કોતરણીથી સુશોભિત શિલ્પ કૃત્તિઓ આવેલી છે. રોયલ પેલેસના મુખ્યદ્વાર પર રાજા સૂર્યવર્મન Iલાએ તૈયાર કરાવેલો ‘નિષ્ઠા શપથ’ તરીકે પ્રસિદ્ધ શિલાલેખ આવેલો છે. આ શિલાલેખમાં રાજા પ્રત્યે વફાદારીની પ્રતિજ્ઞાનું લખાણ છે, જે પ્રતિજ્ઞા રાજાના કર્મચારીઓએ લેવાની થતી હતી. શિલાલેખનું મોટાભાગનું લખાણ પૂર્વ ગોપુરમની ડાબી બાજુ છે. આ શિલાલેખનો કંબોડિયામાં આજેય અમલ કરવામાં આવે છે. રોયલ પેલેસના એલિફન્ટ ટેરેસ અને વિજય દ્વારની દિવાલો દરિયાઇ જીવો, ગાય, ઘોડા, રાજકુમારો અને નાગ કન્યાઓ, હાથી, ઘોડાઓથી શોભતા શોભાયાત્રાની શિલ્પ કૃત્તિઓ જોવા મળે છે. આવી જ રીતે શાહી મહેલના પશ્ચિમ તેમજ ઉત્તરીય દરવાજાની દીવાલો પણ હાથી- ઘોડાઓ સાથેની શોભાયાત્રાથી સુશોભીત છે.
રોયલ પેલેસ ખાતે પુરાતત્વ વિભાગ દ્વારા ખોદકામ કરતા ઘણીબધી શિલ્પ કલાકૃતિઓ, કાંસાના વર્કશોપ સાથે પ્રાચીન અંગકોર વિશે ઘણીબધી પુરક માહિતી મળી આવી છે, તાજેતરમાં રોયલ ટેરેસ સામે ખોદકામ કરતા ત્યાં ડ્રેનેજ અને કોઝવે મળી આવ્યા હતા. રોયલ પેલેસની મુખ્ય વિશેષતામાં તેનું પૂર્વ ગોપુરા, હાથીઓની ટેરેસ, રોયલ ટેરેસ, લેપરકિંગ ટેરેસ, ફિમેનાકાસ મંદિર અને મોટા તળાવના પાયાની દિવાલો પર કોતરવામાં આવેલી શિલ્પ કૃત્તિઓ છે. એ સાથે રોયલ પેલેસની જમીન બહારના જમીન લેવલ કરતા 1.2 મીટર ઊંચું છે.
એલીફન્ટ ટેરેસથી પૂર્વિય દરવાજા તરફ આગળ વધતા અમો ધ ટેરેસ ઓફ ધ લેપર કિંગ (લેપર કિંગ ટેરેસ) પહોંચ્યા. ધ ટેરેસ ઓફ ધ લેપર કિંગ રોયલ પેલેસ સ્ક્વેરના ઉત્તર-પશ્ચિમ ખૂણામાં આવેલ છે. આ ટેરેસ રાજા જયવર્મન VII એ બેયોન શૈલીમાં બંધાવેલ હોવાનું મનાય છે. લેપર કિંગ ટેરેસનું નામ અહીં મળી આવેલા 8મી સદીની એક પ્રતિમા પરથી પડ્યું હોવાનું મનાય છે. દંતકથા મુજબ કંબોડિયાના ધર્મરાજા તરીકે પ્રસિદ્ધ અંગકોરિયન રાજા યસોવર્મન I રક્તપિત્ત બીમારીથી પીડાતો હતો, અને રક્તપિત્તની બીમારીના લક્ષણો સાથેની આ પ્રતિમા નીચે ખ્મેર ભાષામાં લેપર કિંગ લખેલું હોય આ પ્રતિમા રક્તપિત્તથી પીડિત રાજા યસોવર્મન 1-ની યાદ અપાવે છે. વધુમાં અહીંથી મળી આવેલા 14-15મી સદીના શિલાલેખમાં હિંદુ ધર્મના મૃત્યુદેવ ‘યમદેવ’નો પણ ઉલ્લેખ જોવા મળ્યો છે, આ કારણોસર આ ટેરેસ લેપર કિંગ ટેરેસ તરીકે ઓળખાતી હોવાનું મનાય છે. લેપર કિંગ ટેરેસની દિવાલો દેવી-દેવતા, ગંધર્વો, અપ્સરાઓ, પશુ-પક્ષીઓ સાથે અનેકવિધ અદભૂત બારીક કોતરણી સાથેની શિલ્પ કૃત્તિઓથી શોભી રહી છે. લેપર કિંગ ટેરેસના યુ આકાર માળખાનો શાહી સ્મશાન તરીકે ઉપયોગ કરવામાં આવતો હોવાનું મનાય છે.
આજથી લગભગ 700 વર્ષ પહેલાં (ઓગસ્ટ 1296) ચાઇનીઝ રાજદૂત ઝોઉ ડાગુઆન એ ખ્મેર સામ્રાજ્યની રાજધાની અંગકોર થોમની મુલાકાત લીધી હતી. એ વખતે તેણે રોયલ પેલેસની પણ મુલાકાત લીધેલી. ચાઇનીઝ રાજદૂત ઝોઉ ડાગુઆનની મુલાકાત વખતે ખ્મેર સામ્રાજ્ય અને રાજધાની અંગકોર થોમ સમૃદ્ધિની ઊંચાઈએ પહોંચી હોવાની આબેહૂબ ઝલક તેના લખાણોમાં જોવા મળે છે, ‘શાહી મહેલ, અધિકારીઓના રહેઠાણો અને રાજકીય ઇમારતો બધા પૂર્વ તરફ છે. આ મહેલ સોનાના ટાવરની ઉત્તરે આવેલો છે, જેમાં ઉત્તરીય પ્રવેશદ્વાર પાસે ગોલ્ડ બ્રિજ (બેયોન) છે. જે લગભગ પાંચ કે છ લી (2.5થી 3 કિલોમીટર) પરિઘમાં છે. મુખ્ય ઈમારતની ટાઈલ્સ સીસાની બનેલી છે, બાકીની બધી ટાઈલ્સ પીળી માટીની છે. બીમ અને થાંભલા વિશાળ છે, અને તે બધા જ બુદ્ધની છબીઓથી કોતરેલા અને દોરેલા છે. રૂમ ખરેખર ખૂબ જ ભવ્ય દેખાઇ છે, અને લાંબા કોરિડોર અને જટિલ વોકવે, ઉંચા આવેલા અને ઢળતા બાંધકામો આ બધા તેની ભવ્યતાની નોંધપાત્ર સમજ આપે છે !’
ચાઈનીઝ રાજદૂત ઝાઉ ડાગુઆનના લખાણોમાં રોયલ પેલેસની ઘણી માહિતી ઉપલબ્ધ છે, જોકે હાલમાં આ પ્રાચીન રોયલ પેલેસના ખંડેરોમાં બચી ગયેલી તેની ભવ્ય લેટેરાઇટ દિવાલો, પ્રવેશદ્વાર (ગોપુરમ), શાહી તળાવ, નાના મંદિરો, એલીફન્ટ ટેરેસ, લેપરકિંગ ટેરેસ અને ફિમેનાકાસ મંદિરને ગણાવી શકાય. જ્યારે રોયલ પેલેસ સહિત ઘણી ઇમારતો લાકડામાંથી બનેલી, જે કાળાંતરે નાશ પામી. રોયલ પેલેસ સહિત તમામ સત્તાવાર ઇમારતો પૂર્વાભિમુખ હતી.
અંગકોર પુરાતત્વીય સ્મારક રોયલ પેલેસ નજીક સંખ્યાબંધ મંદિરો આવેલા છે, જેમાં તા પ્રોહમ, પ્રેહ ખાન, બાંટેય કેડેઈ, ફ્નોમ બખેંગ, તા કેઓ, તા સોમ, પૂર્વ મેબોન, પ્રી રૂપ, નીક પીન વગેરેનો સમાવેશ થાય છે. જોકે અમારી પાસે એક જ દિવસનો મર્યાદિત સમય હોય રોયલ પેલેસને ઉતાવળે જોઇ અંગકોર વાટમાં આવેલા વિશ્વ પ્રસિદ્ધ તા પ્રોહમ વિહાર જોવા બસમાં ગોઠવાતા આગળ વધ્યા.
લેખક: જયંતિભાઈ આહીર
Comments