શ્રી કાળેશ્વર મહાદેવ ટીંબે, નિલાખા, તા. ઉપલેટા જિ. જૂનાગઢ જયંતિભાઈ આહીર
લેખક: જયંતિભાઈ આહીર
પૂર્વજોના રૂપ, ગુણ અને સંસ્કાર વારસામાં મળે છે. ધર્મ, રીત-રિવાજ, પરંપરાઓ અને સંસ્કાર વારસામાં ઉતરી આવતા સમજદાર સંતાનો પૂર્વજોને વધુ ઉજળા કરી દેખાડે છે. જ્યારે કપાતરો તેના કુકર્મો થકી તેના પૂર્વજોને શાંતિથી જંપવા દેતા નથી. પૂર્વજો વિશે આપણે વંશાવળી, વંશનો આંબો વગેરે જોયા છે. આપણા શરીરમાં પૂર્વજોનું લોહી વહેતું હોય આપણે તેને જોયા હોય કે ન હોય પણ સુખ-દુ:ખમાં આપણે તેને સદૈવ યાદ કરતા રહીએ છીએ. પૂર્વજો ક્યારેય તેના વંશજોને નડતા નથી. એ તો સંતાનોને સદૈવ આશીર્વાદ આપી તે સુખી રહે તેવું ઈચ્છતા હોય છે.
આપણા શરીરમાં શ્વાસ-ઉચ્છવાસ સાથે પૂર્વજોના પુણ્ય ધબકતા રહે છે. આપણે માનીએ કે ન માનીએ મા-બાપ સાથે આપણા પૂર્વજો એક અદીઠી સાંકળની કડી તરીકે હતા, છે અને રહેશે. યુવાન મા-બાપ ક્યારે ઘરડા થઈ ગયા ? તેની જેમ ખબર ન રહી તેમ આપણે ક્યારે ઘરડા થઈ પૂર્વજો બની જઈશું તેની આપણને ખબર નથી. આ વાતને ધ્યાનમાં રાખો તો આપણી આગળ - પાછળ માત્ર પૂર્વજો છે અને પૂર્વજો રહેશે. હું માનું છું કે, ‘મારા પૂર્વજો મારા હ્રદયમાં વસી મને સતત નિર્મળ રાખી સત્કર્મો કરવા સદૈવ પ્રેરણા આપી રહ્યા છે, એ સાથે ખોટા કામ કરતા રોકે છે.
આજે વાત કરવી છે હુંબલ પરિવારના પૂર્વજ નીલાખા ભાદરકાંઠા આહીર સમાજના મોભી સ્વ. કાળાભાઈ હાજાભાઈ હુંબલની. નાનીવયે કાળાભાઈએ પિતાજીની છત્રછાયા ગુમાવતા માતા માલણમાનો સહારો બનતા પૂર્વજોના ધાર્મિક સંસ્કારો થકી નિતી-ન્યાય અને પુરુષાર્થ પંથે લોકચાહના કેળવી. તો હાજાબાપાના ખોરડાના રોટલાની સુવાસ માલણમાના મીઠા આવકારે ચારેબાજુ ફેલાવેલી. કાળાભાઇએ પરિવારને સાથે રાખી ખૂબ મહેનત કરતા આર્થિક, સામાજીક સાથે રાજકીય પ્રગતિ કરી હતી. ગરીબના બેલી ગણાતા કાળાભાઈ હુંબલ ભવનાથ આહીર સામાજિક ટ્રસ્ટના પાયાના કાર્યકર અને ઉપલેટા આહીર સમાજમાં પણ મોટું યોગદાન એ સાથે અનેક ધાર્મિક અને સામાજીક સંસ્થાના મૂક સેવક સાથે આર્થિક મદદ કરવામાં સૌથી આગળ.
ટીંબા હનુમાનજી, નિલાખા પર સ્વ. હાજાબાપા હુંબલ પરિવારને અપાર શ્રદ્ધા. હુંબલ પરિવારના ખેતરમાં ખીજડાના ઝાડ નીચે હનુમાનજીની સ્વયંભૂ પ્રગટ થયેલી મૂર્તિ આવેલી છે, જે હુંબલ પરિવારના દેવ તરીકે પૂજાતા આવ્યા છે. આ પવિત્ર સ્થળ પર મૂળ ભોડદર (રાણા કંડોરણા) ગામના આહીર કરશનબાપા (ભગતબાપા)એ સંન્યાસ ધારણ કરતા તપના બળે ટીંબા હનુમાનજીની જગ્યાને જાગ્રત કરતા તેનો ખૂબ મહિમા વધાર્યો. ભગતબાપા દેવ થતા કાળાભાઈ હુંબલે ટીંબા હનુમાનજી મંદિરનું પુન:નિર્માણ કરતા અહીં રામજી મંદિર, દાડમાદાદાનું સ્થાનક સાથે શિખરબંધ હનુમાનજી મંદિર બંધાવ્યું. એ સાથે ટીંબે હનુમાનજી સાથે શિવ મંદિરનું નિર્માણ કાર્ય કરતા પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તૈયારી આદરી હતી.
જોકે આપણે ત્યાં કહેવત છે ‘ધાર્યું ધણીનું થાય !’ ભગવાન ભોળાનાથે કદાચ વિચાર્યુ હશે કે, ‘કાળા હુંબલના હાથે બેસું એના કરતા એ મારા ભેગો બેસે તો એની સેવાની સુવાસ અમર થઇ જાય !’ અને ભોળાનાથની ઇચ્છાનુસાર કાળાભાઈ હુંબલ ટુંકી બીમારી ભોગવી 03 ફેબ્રુ. 2019ના ઉગતા પહોરે ટીંબે હનુમાનજીના દર્શન કરી નિલાખા ઘેર આવતા સમગ્ર પરિવાર, સગા-સ્નેહીઓ સાથે હું પણ અંતિમ સમયે તેમની પાસે પહોંચી જતા મારા હાથે ગંગાજળનું આચમન કરી અલખની યાત્રાએ ચાલી નિકળ્યા.
પિતા સ્વ. કાળાભાઇ હુંબલની આખરી ઇચ્છા પૂર્ણ કરતા તેના પરિવારજનો સાથે પુત્ર સ્વ. વિક્રમભાઇ તથા મજબૂતભાઇએ વિધિ-વિધાન સાથે ટીબા હનુમાનજી જગ્યાએ શિવ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવ્યો હતો. એ સાથે સ્વ. કાળાભાઈ હુંબલની આખરી ઇચ્છાને તેની કાયમી યાદમાં ફેરવતા આ શિવ મંદિરનું નામ શ્રીકાળેશ્વર મહાદેવ રાખી પૂર્વજોને ભાવભરી શ્રદ્ધાંજલી આપી હતી.
12 માર્ચ 2023ના શ્રીકાળેશ્વ્રર મહાદેવ સાથે નિલાખા ટીંબે બિરાજમાન શ્રીહનુમાનજી, શ્રીરામજી મંદિર, શ્રીદાડમાદાદા અને શ્રીભગતબાપાની સમાધિના દર્શન કરી ધન્યતાની લાગણી અનુભવી. ટીંબે દર્શન કરી સ્નેહીશ્રી કાનાભાઇ જળુ, નિલાખા ઘરના બપોરના રોટલા ખાધા. તથા ઉપલેટા-પોરબંદર હાઇવે પર નિલાખા સીમમાં મજબૂતભાઈ હુંબલના ફાર્મ હાઉસ ‘હનુમંત વાટિકા’ની મુલાકાત લીધી.
Comments